સાળંગપુર વિવાદમાં ગિરનારના સાધુઓનો આક્રોશ ફાટ્યો:હનુમાનજીને નીચે દેખાડવાનો પ્રયત્ન કરતી તસવીરો જલદી હટાવો; અમને મર્યાદા મૂકવા મજબૂર ના કરશો, નહીંતર મજા નહીં આવે
કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાને લઈને વિવાદ વકર્યો છે. કિંગ ઑફ સાળંગપુરની પ્રતિમાની નીચે હનુમાન દાદા સ્વામિનારાયણના સંતને નમન કરતા હોય એવી પ્લેટની તસવીરો સામે આવતાં સંતો અને સનાતન પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સનાતન ધર્મ સેવા સમિતિએ સિહોર પોલીસમાં અરજી પણ કરી છે. ત્યારે સનાતન ધર્મના સંતો આ તસવીરોની નિંદા કરી કહ્યા છે. બુધવારે મોરારિબાપુએ રોષ ઠાલવ્યા બાદ આજે જૂનાગઢથી ઇન્દ્રભારતીબાપુ, ભારતી આશ્રમના 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ મહારાજ અને મુચકુંદ ગુફાના 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગિરિ મહારાજે આક્રોશ ઠાલવ્યો છે.
ધર્મનો દાટ વાળવા સાધુ થયા છો?: ઈન્દ્રભારતીબાપુ
ઈન્દ્રભારતીબાપુએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે સાળંગપુરની અંદર હનુમાનજી મહારાજની મૂર્તિ બેસાડી એનું આપણે ગૌરવ અનુભવીએ છીએ, પણ એની નીચે જે ઘનશ્યામજી પાંડે બેઠા છે અને હનુમાનજી મહારાજ તેમને હાથ જોડે છે. આ કંઈ વાજબી કહેવાય? આ કંઈ ધર્મ કહેવાય? આ ધર્મનો દાટ વાળવા માટે સાધુ થયા છો? સંપ્રદાયોનો દાટ વાળવા માટે સાધુ થયા છો? જે સનાતન ધર્મનાં દેવી-દેવતાઓને નીચે દેખાડે છે. આ બધી વસ્તુઓથી અમને દુ:ખ થાય છે. આવી રીતે દર વખતે કરીને પછી હું માફી માગું છું, અમે માફી માગીએ છીએ. અરે ભાઈ, આવું કરીને માફી જ માગવાની તમારે? સનાતનની અંદર તમે પોતે પણ સનાતની છો.
જ્યારે વિવાદ થાય ત્યારે તેઓ માફી માગે અને અમે ક્ષમા કરી દઈએ: ઇન્દ્રભારતીબાપુ.
અમારે ઘેલા વાણિયા જેવું કરવું પડશે: ઈન્દ્રભારતીબાપુ
ઈન્દ્રભારતીબાપુએ વધુમાં જણાવ્યું, રામાનુજા ચાર્યના સંપ્રદાયમાંથી રામબલમાંથી છો અને એ જ ધર્મની અંદર તમે ટીકા કરો છો, તમે ખોટાં પુસ્તકો છાપો છો. આ વાજબી છે? મહેરબાની કરીને એ સાધુ-સંતોને નમ્ર અપીલ કરું છું કે આવા જે તકલાદી સાધુ-સંતો છે એ જરાક સમજે અને જો તેઓ કહે છે કે હનુમાનજી એ ભગવાન નથી, તો પછી શું કામ તેમની પૂજા કરો છો? જેમ સોમનાથની અંદર ગજની મંદિરર તોડવા આવ્યો હતો ત્યારે ઘેલા વાણિયાએ મૂર્તિ ઉપાડીને ઘેલા સોમનાથની સ્થાપના કરી, તો અમારે પણ એ કરવું પડશે હવે. જ્યારે જુઓ ત્યારે વિવાદની અંદર.. જ્યારે વિવાદ થાય ત્યારે તેઓ માફી માગે અને અમે ક્ષમા કરી દઇએ.
શું કામ બીજા ધર્મના લોકોને રાજી કરો છો?: ઈન્દ્રભારતીબાપુ
અપીલ કરતાં ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે મહેરબાની કરીને હું તમને હાથ જોડીને માફી માગું છું કે તમે અમારા સંપ્રદાયના સાધુ છો, સનાતની છો એટલે મહેરબાની કરીને આવું ન કરો, સનાતનને નીચું ન દેખાડો.. આજે બીજા ઘણા વિવિધ ધર્મના માણસો રાજી થાય છે કે આ લોકો અંદરોઅદર ઝઘડે છે. શું કામ બીજાને રાજી કરો છો? તમે ઘનશ્યામ પાંડેને માનો છો કે એ ભગવાન છે, તેમને માનો, અમારો એમાં કોઇ વિરોધ નથી, ગુરુ ભગવાન જ છે, પણ અમારાં દેવી-દેવતાઓને નીચાં દેખાડવાનો પ્રયત્ન કરો એ વાજબી નથી. એના પ્રત્યાઘાત સમાજમાં બહુ પડી રહ્યા છે. સમાજના ફોન આવે છે કે બાપુ, આ શું છે? અમારે શું જવાબ દેવા? અમને પૂછવાવાળા છે સમાજમાં કે શું કામ ભગવા પહેરીને બેઠા છો? તમારાથી કંઈ નથી થતું..? એટલે મહેરબાની કરીને જે મૂર્તિની પ્રતિકૃતિ કરી છે એ હટાવી દો, જેથી ભગવાન હનુમાનના અનુયાયીઓને ઠેસ ન પહોંચે..
આ સારું નથી કર્યું, તમારી મર્યાદામાં રહો: મહેન્દ્રાનંદગિરિ મહારાજ.
અમે ક્યારેય કોઈ ખરાબ ટિપ્પણી નથી કરતા: મહેન્દ્રાનંદગિરિ મહારાજ
મુચકુંદ ગુફાના 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગિરિ મહારાજે જણાવ્યું હતું કે સાળંગપુરમાં ફરી પાછો વિવાદ ઊભો કર્યો છે. શું કામ આવું કરો છો? આ સંપ્રદાય સનાતનમાંથી નીકળેલો એક ભાગ છે. આપના સંપ્રદાયના મહાપુરુષો મહાદેવને, હનુમાનજીને ખૂબ માનતા.. કોઈ સનાતની સાધુઓ સ્વામિનારાયણ સંપ્રદાયના મહાપુરુષો વિશે ક્યારેય કોઈ ખરાબ ટિપ્પણી નથી કરતા. નથી કોઇ પુસ્તકો કે તમારા ધાર્મિક ગ્રંથોમાં છેડછાડ કરી, નથી તમારા ખરાબ ચલચિત્રો મૂક્યાં. તો તમે શું કામ આવું કરો છો? માપે રહોને ભલા માણસ, એમાં મજા આવશે.
અમે બધા મર્યાદા મૂકીએ એમાં મજા નહીં રહે: મહેન્દ્રાનંદગિરિ મહારાજ
મહેન્દ્રાનંદગિરિ મહારાજે વધુમાં જણાવ્યું હતું કે તમે સંતો તરીકે સમાજમાં પ્રતિષ્ઠિત થયેલા છો, તો સંતોની ભૂમિકા અને વિવેકને શું કામ તોડો છો? આવું કરશો તો લોકો અને સમાજ તમારો સ્વીકાર નહીં કરે.. જે લોકો સંપ્રદાયને માને છે તેઓ સનાતન ધર્મમાંથી આવેલા છે. આ નથી સારું કરી રહ્યા, તમારી મર્યાદામાં રહો અને અમને અમારી મર્યાદામાં રહેવા દો. અમે બધા મર્યાદા મૂકીએ એમાં મજા નહીં રહે. આપણે અંદરોઅંદર આવા બધા વિષયોને લઇને ઝઘડીએ એવું ઘણા ઇચ્છે છે. શું કામ તમે એ લોકોને તક આપો છો? સનાતન એ સનાતન છે, એ સર્વોપરિ છે.
અમારી મર્યાદા મૂકવામાં મજબૂર ના કરશો: મહેન્દ્રાનંદગિરિ મહારાજ
તેમણે કહ્યું હતું કે તમે આવો વિવાદ ઊભો કરીને શું સાબિત કરવા માગો છો. અવિવેકી અમુક સંતો છે… તેઓ માપમાં રહે તો મજા આવશે અને અમને અમારી મર્યાદા મૂકવામાં મજબૂર ના કરશો, નહીંતર મજા નહીં આવે. તમે હનુમાનજી મહારાજને નીચે દેખાડવાનો પ્રયત્ન કર્યો છે, એ તસવીરો જલદી હટાવો. જેટલા પણ સાળંગપુરમાં આવે છે એ બધા સનાતનીઓ હનુમાનજી મહારાજને લઇને આવે છે એ યાદ રાખજો. સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને આવે એવો ભ્રમ હોય તો મનમાંથી કાઢી નાખજો. જો આ સનાતનીઓ આ વાતને માથે લઇ લેશે તો બહુ ભારે પડશે, માટે પાછા વળી જાઓ..
તમારી લીટી લાંબી કરવા બીજાની લીટી ટૂંકી કરવાનો પ્રયત્ન ન કરો: હરિહરાનંદ મહારાજ.
આવાં ચિત્રોથી સનાતન ધર્મને ઠેસ પહોંચે: હરિહરાનંદ મહારાજ
ભારતી આશ્રમના 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ મહારાજે જણાવ્યું હતું કે હનુમાનજી આરાધ્ય દેવ છે, હનુમાનજી ન હોય તો સૃષ્ટિ ન હોય. તેમનાં એવાં ચિત્રો મૂક્યાં છે, જે નિંદાપાત્ર છે. હનુમાનજી સ્વામીને પગે લાગે છે, હનુમાનજી દાસ થઇને રહે છે. આ ચિત્રો નિંદાને પાત્ર છે, આનાથી સનાતન ધર્મને ઠેસ પહોંચે છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ.
અગાઉ ભગવાન રામ અને શિવનું અપમાન કર્યું: હરિહરાનંદ મહારાજ
હરિહરાનંદ મહારાજે વધુમાં જણાવ્યું હતું કે ભગવાન રામ અને શિવનું આની પહેલાં આપ્યું હતું કે શિવ સ્વામિનારાયણ ભગવાનને પગે લાગવા આવ્યા, રામનું પણ આપ્યું હતું. અવારનવાર માતાજીનું આપે છે કે માતાજી છે, તે શ્રીજી મહારાજ થકી જ છે. અમે કોઇ ધર્મની નિંદા નથી કરતા, સનાતન ધર્મ હતો, છે અને રહેશે. તમામ ધર્મો સનાતન ધર્મના ફાંટા છે. સ્વામિનારાયણને પણ ગુરુ તો કરવા જ પડ્યા હતા અને શિક્ષાપત્રીમાં પણ આવાં કોઇ ચિત્રો નથી દર્શાવ્યાં છતાંય આવું થાય છે. આ ધર્મ તો 200 વર્ષથી છે, જ્યારે સનાતન તો અનંત કાળથી છે. હનુમાનજી યુગોથી છે. અમારા આરાધ્ય દેવને નીચા દેખાડવા એ યોગ્ય નથી. મહેરબાની કરીને તમે તમારી લીટી લાંબી કરવા બીજાની લીટી ટૂંકી કરવાનો પ્રયત્ન ન કરો..
હું બોલ્યો ત્યારે મારી સાથે કોઈપણ બોલ્યું નહોતું, હવે તમે બોલો: મોરારિબાપુ.
મોરારિબાપુએ આ કૃત્યને કપટ ગણાવ્યું
હનુમાન દાદાના અપમાનને લઇ બુધવારે મોરારિબાપુએ આ કૃત્યને કપટ ગણાવ્યું હતું. મોરારિબાપુએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે હનુમાનજીનું અપમાન ન ચલાવી લેવાય. લોકોએ જાગ્રત થવાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજકાલ દુનિયામાં પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા લોકો કેવાં કેવાં કપટ કરી રહ્યા છે. અમારા સૌરાષ્ટ્રમાં હનુમાનજીની એટલી સરસ મોટી મૂર્તિ છે અને એની નીચે ચિત્રમાં હનુમાનજી તેમનાં કોઈ મહાપુરુષને પ્રણામ કરતા, તેમની સેવા કરતા દેખાય છે. ત્યારે હવે વિચારો કે સમાજે જાગ્રત થવાની ખૂબ જ જરૂર છે. લોકો કહે છે બાપુ તમે બોલો. હું બોલ્યો ત્યારે મારી સાથે કોઈપણ બોલ્યું નહોતું, હવે તમે બોલો.

‘કિંગ ઓફ સાળંગપુર’ની 54 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમા, બોક્સમાં જે ચિત્રો છે એનાં લીધે વિવાદ ઊભો થયો.
આવી પ્રતિમાઓ યોગ્ય નથી: જગદેવદાસબાપુ
બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસબાપુએ જણાવ્યું હતું કે સ્વામીને હાથ જોડી હનુમાનજી પ્રણામ કરતા હોય એવી પ્રતિમા યોગ્ય નથી. હનુમાનજી તો ભગવાન રામના અનુયાયી છે એવા પ્રકારની મૂર્તિ મૂકવી જોઈએ. ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મના હિતમાં સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ અનુયાયીઓ અને યુવા પેઢીના હિતમાં યોગ્ય પ્રતિમા મૂકવી જોઇએ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને લોકોને મૂર્તિઓ તથા ધાર્મિક લાગણીઓનું ધ્યાન રાખવું જોઈએ. આવા વિવાદમાં ન પડવું જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અગાઉ પણ અનેક આવાં કર્મો કર્યાં બાદ વિવાદ થાય પછી માફી માગી લેતા હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદની જગ્યાએ સમાજનું ઉત્થાન થાય એવાં કરવાં જોઇએ. આ વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી યોગ્ય તકતીઓ લગાવવી જોઇએ..