પોરબંદર : લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં સતત ત્રીજી વખત બધી જ 26 બેઠકો પર માત્ર ક્લિન સ્વીપ જ નહીં પરંતુ 5 લાખ જેવા જંગી માર્જિનથી જીતવા માટે આગળ વધી રહેલા ભાજપ માટે તેના ગઢમાંથી જ પડકારો ઊભા થઈ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. પક્ષે વડોદરા અને સાબરકાંઠામાં સ્થાનિક કાર્યકરોના કથિત ઉગ્ર વિરોધના કારણે તેમના ઉમેદવારો બદલવાની પણ ફરજ પડી હોવાના અહેવાલો મીડિયામાં ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે પોરબંદરમાં પણ પક્ષના સ્થાનિક કાર્યકરોએ મોવડી મંડળ સામે બાંયો ચઢાવી છે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને આયાતી ઉમેદવાર ગણાવી તેમનો વિરોધ કર્યો છે.
હાઈકમાન્ડ સમક્ષ કરાઈ આ માગ
ભાજપે લોકસભા બેઠકો માટે તેની 195 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી ત્યારે જ પોરબંદર (Porbandar) બેઠક પર વર્તમાન સાંસદ રમેશભાઈ ધડુકના સ્થાને મનસુખ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે આ સીટ પર લલિત વસોયાની પસંદગી કરી છે. ભાજપે પોરબંદરમાં આયાતી ઉમેદવાર પસંદ કરતા સ્થાનિક કાર્યકરો અને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. કાર્યકરોની આ નારાજગી પોસ્ટર વોર તરીકે સામે આવી છે. વડોદરામાં રંજનબેન ભટ્ટ પછી હવે પોરબંદરમાં મનસુખ માંડવિયા સામે પોસ્ટરો લાગ્યા છે અને સ્થાનિક કાર્યકરોએ હાઈકમાન્ડ સમક્ષ ઉમેદવાર બદલવાની માંગ કરી છે. પોરબંદર બેઠકમાં આવેલા ધોરાજીમાં મનસુખ માંડવિયાને બદલવાની માંગ સાથે પોસ્ટર લગાવવામા આવ્યા છે. નોંધનીય છે કે વડોદરામાં રંજનબેન ભટ્ટને પક્ષે સતત ત્રીજી વખત રીપીટ કર્યા પછી તેમના વિરુદ્ધ પોસ્ટરો લાગતા રંજનબેને પોતે જ ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી હતી, જેને પગલે પક્ષે નવા ઉમેદવાર હેમાંગ જોશીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
મનસુખ માંડવિયા વિરુદ્ધ લાગ્યા પોસ્ટર
પ્રાપ્ત જાણકારી મુજબ ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા વિરુદ્ધ ધોરાજી ઉપલેટા પુલ પાસે બેનરો લાગ્યા છે. આ બેનરમાં એક બાજુ લલિત વસોયા અને બીજી બાજુ મનસુખ માંડવિયાના ફોટો લગાડવામાં આવ્યા છે. ફોટા તેના નીચે લખાણમાં મનસુખ માંડવિયાને બદલવાની માંગ કરવામા આવી છે. આ બેનરોમાં લખવામાં આવ્યું છે કે, આપડું કામ આવતા પાંચ વર્ષ કોણ કરી શકશે? પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવાર … એ ..કોણ.., પોરબંદર લોકસભામાં નહીં ફાવે આયાતી ઉમેદવાર … એ ..કોણ.., મતદારોની વચ્ચે આવતાં પાચ વર્ષ્ રહેશે… એ.. કોણ…
સ્થાનિક ઉમેદવારોને કટ ટુ સાઈઝ કરાયા
પોરબંદર લોકસભા મત વિસ્તારમાં સાત વિધાનસભા બેઠકોમાં પોરબંદર, કુતિયાણા, માણાવદર, કેશોદ, ગોંડલ, ધોરાજી, જેતપુર, ગોંડલ સહિત બેઠકોનો સમાવેશ થાય છે. પોરબંદરમાં પાટીદાર ફેક્ટર છે. પરંતુ ભાજપે સ્થાનિક નેતાઓ જેવા કે રમેશ ધડૂક, પ્રશાંત કોરાટ, જશુબેન કોરાટ અને જયેશ રાદડિયાને કટ ટુ સાઈઝ કરીને મનસુખ માંડવિયાને મેદાને ઉતાર્યા છે. જેના કારણે બધા નેતાઓના સમર્થકોમાં નારાજગી જોવા મળી હતી. તેમજ લોકોમાં પણ આયાતી ઉમેદવારને લઈને નારાજગી જોવા મળી રહી છે. જો કે આ બેનર કોને લગાવ્યા તે હજુ સામે આવ્યું નથી.