જામનગર પર જાણે મેઘરાજાએ કહેર વર્તાવ્યો હોય એવું ચિત્ર ઊભું થયું છે. રવિવાર રાતથી સોમવાર સુધી મુશળધાર વરસાદે અનેક મોટી મુશ્કેલીઓ ઊભી કરી હતી. ખાસ કરીને જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં સ્થિતિ ગંભીર છે. 24 કલાક પસાર થયા બાદ પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું. ભારે વરસાદને પગલે જામનગર જિલ્લાનાં અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ હતી. જામનગર પાસે આવેલું ધુંવાવ ગામ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. અતિવૃષ્ટિમાં નુકસાન પામેલાં ગામોની સરવેની કામગીરી શરૂ કરવામાં આવી.
24 કલાકના સતત અને સખત વરસાદે જામનગરની હાલત કફોડી કરી નાંખી હતી. જાણે રીતસરની સિસ્ટમ પણ હાંફી ગઈ હોય એવો માહોલ સોમવારે જોવા મળ્યો હતો. જેની નોંધ છેક ગાંધીનગર સુધી લેવાતા નવા નિમાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુદ્ધના ધોરણે જામનગરની સ્થિતિની સમીક્ષા કરી હતી.
હાલાતની ગંભીરતા જાણીને તેઓ જામનગર પાસે આવેલા ધુંવાવ ગામે પહોંચ્યા હતા. અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તેમણે અસરગ્રસ્તોને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે. ગામમાં પૂરને કારણે ભારે તબાહી મચી. પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકોએ ભીંની આખે કહ્યું હતું કે પાણી આવી ગયું અને ઘર ધોવાઈ ગયું. તમામ ઘરવખરી પાણીમાં વહી છે. જીવન પૂર્વવત થાય એ માટે ગ્રામજનો ત્વરિત ધોરણે સહાય કરવામાં આવે તેવી અરજ કરી છે. વિગત એવી પણ મળી છે કે, અતિવૃષ્ટિમાં નુકસાન પામેલાં ગામોની સરવેની કામગીરી શરૂ કરવામાં આવી રહ્યું છે. જ્યાં જામનગરના અધિકારીઓએ જાત નિરિક્ષણ કરીને કેટલાક આદેશ આપ્યા છે. પાણીને કારણે અનેક પશુઓ તણાઈ ગયાં છે તો કેટલાંક પશુઓ બાંધેલા હોવાથી એ જ અવસ્થામાં મોતને ભેટ્યાં છે. ખેતરો નદીમાં ફેરવાઈ ગયાં છે.