વડોદરા ભાજપમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી રોજ કોઈને કોઈ વિવાદ ઊભો જ હોય છે. હવે લોકસભાના ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી સાથે ફ્રીડમ ગ્રુપ સાથે સંકળાયેલા કેટલાક ક્રિમીનલ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો પ્રચારમાં નીકળતા નવા વિવાદનો જન્મ થયો છે. ઉમેદવાર સાથે ખુલ્લી જીપમાં ફરતા આ લોકોને જોઈ ભાજપના સંનિષ્ઠ કાર્યકરો હેમાંગ જોશી સાથે પ્રચારમાં નીકળવાનું ટાળી રહ્યા છે.
ભાજપે રાજકારણમાં બિન અનુભવી એવા હેમાંગ જોશીનું નામ તો જાહેર કરી દીધું, પરંતુ હવે પ્રચારમાં કોને સાથે રાખવા તે એમને સમજાઈ રહ્યું ના હોય એવું લાગી રહ્યું છે. એક તરફ યોગેશ પટેલ જેવા અતિ સિનિયર નેતાને રાહ જોવડાવવા બદલ તેમણે નારાજગીનો સામનો કરવો પડ્યો, તો બીજી તરફ તેઓ જે લોકોને સાથે લઈને ફરી રહ્યા છે, તેનાથી પણ પક્ષના વડીલ કાર્યકરો નારાજ થયા છે. જોશી સાથે ખુલ્લી જીપમાં ફરતા ફ્રીડમ ગ્રુપમાં કેટલાક લોકો સામે અગાઉ ગુના નોંધાઈ ચૂકયા છે. આ લોકો હેમાંગ સાથે પ્રચારના રિલ્સ પણ સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે. તેથી પણ પક્ષમાં વિવાદનો જન્મ થયો છે.
એક તરફ યોગેશકાકા અને કાર્યકરોની નારાજગી તો બીજી બાજુ ક્રિમીનલ બેકગ્રાઉન્ડ વાળા સમર્થકો થી ઘેરાતા વડોદરા પણ રાજકોટ ની માફક ઉકળતો ચરું
પક્ષના કેટલાક આગેવાનોએ હૈયાવરાળ ઠાલવતા કહ્યું કે, જે લોકો સાથે અમારા ઉમેદવાર ફરે છે તે જોઈને અમે પ્રચારમાં જવાનું પસંદ કરતા નથી. કેમકે આવા લોકો સાથે અમે ફરીએ તો અમારે પણ લોકોને જવાબ આપવાનું ભારે પડે એમ છે. અમે અમારી વાત પક્ષમાં વરિષ્ઠ નેતાઓ સુધી પહોંચાડી છે. જો તાત્કાલિક પગલાં નહિ લેવાય તો વડોદરામાં ભાજપને ઘણું નુકસાન ભોગવવાનો વારો આવે એમ છે.