કોંગ્રેસના મોટા નેતાએ ભાજપના ઉમેદવાર સાથે દોસ્તી નિભાવી હોવાના આક્ષેપ અંગે ભારે ચર્ચા.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવવાની સાથે કોંગ્રેસમાં આંતરિક ડખા શરૂ થઈ ગયા છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને પાલિકાની ચૂંટણીમાં હારેલા કોંગ્રેસના મહિલા ઉમેદવાર જાગૃતિબેન રાણાએ સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ મૂકી છે. જેમાં જાગૃતિ રાણાએ લખ્યું છે કે, ‘યાદ રાખજો, હું હારી નથી, પણ હરાવવામાં આવી છું, વિરોધીઓ આ ખૌફ 5 વર્ષ માટે કાયમ રાખજો’….આ પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકતા રાજકીય ક્ષેત્રે વિવાદ ઉભો થયો છે.
કોંગ્રેસના બાકીના ઉમેદવાર નબળા હોવાથી સિટીંગ કોર્પોરેટર હાર્યા
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં પરિણામ જાહેર થતાં એક તરફ જ્યાં ભાજપમાં ખુશીની લહેર છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધવા લાગ્યા છે. વોર્ડ નં-7ના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન રાણાએ આ વખતે ફરી એકવાર કોંગ્રેસમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ, તેમની પેનલની હાર થઇ હતી. જેમાં પક્ષે મૂકેલા અન્ય સાથી ઉમેદવાર યોગ્ય ન હોવાનું હવે ચર્ચાઈ રહ્યું છે. પેનલના અન્ય ઉમેદવારોની લોકપ્રિયતા ઓછી હોવાથી તેની સીધી અસર છેલ્લા 5 વર્ષથી કોર્પોરેટર તરીકે રહેલા જાગૃતિબેન રાણાએ ભોગવવી પડી હતી.
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને પાલિકાની ચૂંટણીમાં હારેલા કોંગ્રેસના મહિલા ઉમેદવાર જાગૃતિબેન રાણા
હારેલા મહિલા ઉમેદવારની પોસ્ટથી કોંગ્રેસની જૂથબંધી બહાર આવી
પરિણામના બે દિવસ બાદ જાગૃતિબેન રાણાએ તેમને હરાવવામાં આવ્યા હોવાનું જણાવતી સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ મૂકી હતી કે, ‘યાદ રાખજો, હું હારી નથી, પણ હરાવવામાં આવી છું, વિરોધીઓ આ ખૌફ 5 વર્ષ માટે કાયમ રાખજો’… સોશિયલ મીડિયા પર તેમના આ પોસ્ટથી તેમની હાર માટે આડકતરી રીતે ક્યાંકને ક્યાંક પાર્ટીમાં ચાલતી જૂથબંધી જવાબદાર હોવાનું તેમણે જણાવ્યું હતું. આગામી દિવસોમાં આવા અનેક મુદ્દે કોંગ્રેસ પક્ષના આંતરિક રાજકારણમાં ગંભીર આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર જોવા મળી શકે છે.
પાલિકાની ચૂંટણીમાં હારેલા મહિલા ઉમેદવારની પોસ્ટથી કોંગ્રેસની જૂથબંધી બહાર આવી છે
પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 7 બેઠક મળી હતી
વડોદરા શહેરમાં 2015ની ચૂંટણીમાં કોગ્રેસને 14 બેઠક મળી હતી, પરંતુ, આ વખતે કોંગ્રેસને માત્ર 7 બેઠક જ મળી હતી. જેને લઈને કોંગ્રેસમાં જૂથબંધીને લઈને હાર થઈ હોવાનું બહાર આવ્યું હતું અને કોંગ્રેસના હારેલા ઉમેદવાર જાગૃતિબેન રાણાની પોસ્ટથી ફરી એકવાર કોંગ્રેસની જૂથબંધી બહાર આવી છે.