કોરોના વિસ્ફોટને પગલે રાત્રિ કરફયૂ માં વધારો અને બીજી તરફ લોકડાઉંન ની દહેશત વચ્ચે વડોદરા વાસીઓ આજે સવારથી હાથીખાના માં કરિયાનું લેવા મોટી સંખ્યા માં પોહચ્યાં હતા. ત્યારે પાલિકા ની ટીમ ને જાણે કામગીરી બતાવવાનું શૂરાતન ચડ્યું હોય તેમ સોશ્યલ ડિસ્ટન્સ ના અભાવ ના નામે દંડની કાર્યવાહી અને બેફામ વર્તન ને પગલે હાથી ખાના ના વેપારીઓ એ દુકાન બંધ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
કોરોનાને કહેર વધતા હાઇકોર્ટના સુચન બાદ સરકારે આજથી રાત્રી કર્ફ્યુનો સમય વધારી દીધો છે. જેને લઇને મોલ અને માર્કેટમાં ખરીદી કરવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. આજે સવારે શહેરના સૌથી જુના અને મોટા હાથીખાના માર્કેટમાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. દરમિયાન કોવિડ ગાઇડલાઇનનું પાલન કરાવતી ટીમોએ હાથીખાના પર ચેકીંગ માટે પહોંચી હતી. અને વેપારીઓ પર દાદાગીરી કરતા બિચક્યો હતો. જેને પગલે વેપારી એસો. દ્વારા બંધ પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સમગ્ર મામલે હાથીખાના માર્કેટ એસો.ના પ્રમુખ નિમિષ મહેતાએ વાત કરતા જણાવ્યું હતું કે, ગઇ કાલે સરકારે રાત્રી કર્ફ્યુનો સમય વધારી દેવાની સાથે લોકો ખરીદી કરવા આવી પહોંચ્યા હતા. વેપારી દ્વારા કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવામાં આવે છે. ગઇ કાલના નિર્ણય બાદ આજે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા હાથીખાના માર્કેટમાં આવી પહોંચ્યા હતા. લોકોમાં લોકડાઉન લાગુ કરાશે તેવો ભય છે. આજે સવારે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવી પહોંચ્યા હતા. દરમિયાન પાલિકાની ટીમો પણ અહિંયા કોવિડ ગાઇડલાઇનના ચેકીંગ માટે આવી હતી.
નિમિષ મહેતાએ ઉમેર્યું હતું કે, એકાએક મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે હાથીખાના માર્કેટમાં આવે તેમાં વેપારીઓનો શું વાંક ? પાલિકાની ટીમ દ્વારા લોકોની ભીડ ભેગી થવા બદલ વેપારીઓ સાથે દાદાગીરી અને ગેર વર્તણુંક કરવામાં આવી હતી. અને રૂ. 2 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. લોકોમાં જ્યારે ગભરાહટનો માહોલ હોય ત્યારે તંત્રએ વેપારીઓ સાથે મળીને સુવિધા કરવાની જગ્યાએ અહિંયાતો વેપારી સાથે ખરાબ વર્તન કરીને દંડ ફટકારી દેવામાં આવે છે. જેનો અમે હાથીખાનાના તમામ વેપારીઓ વિરોધ કરી રહ્યા છે.
નિમિષ મહેતાએ કહ્યું કે, પાલિકામાં સંબંધિત અધિકારી સાથે વાત કરતા તેમણે રૂ. 1 હજારના દંડનું પ્રાવધાન હોવાનું જણાવ્યું હતું. વેપારીઓ સાથે થયેલા વર્તનને કારણે હાથીખાના માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી વેપારી પાસેથી વસુલવામાં આવેલા દંડના પૈસા પરત કરવામાં નહિ આવે અને દાદાગીરી કરનાર પાલિકાના કર્મી માફી નહિ માંગે ત્યાં સુધી બંધ પાળવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે ગુજરાત હાઇકોર્ટના સુચન બાદ લોકોમાં ફરી લોકડાઉન લાગુ કરવાનો ભય છે. જેને કારણે પેનીક બાઇંગ કરી રહ્યા છે. આવા સમયે અફરા તફરી ન સર્જાય તે માટે વહીવટી તંત્રએ નાગરીકો સાથે કદમ મીલાવીની કામ કરવું પડશે.